Saturday, 29 July 2017

આઈશ્રી ખોડિયાર માતા મંદિર - ગળધરા નો સંપૂર્ણ ઈતિહાસ

આઈશ્રી ખોડિયાર માતા મંદિર - ગળધરા 
નો સંપૂર્ણ ઈતિહાસ


સંતો અને શુરાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંતો અને સતીઓ થઇ ગયા. તેમાં આઈ શ્રી ખોડિયાર માતા નું અનેરું મહત્વ જોવા મળે છે. ખોડિયાર માતા ના ભક્તો દેશ વિદેશ મા ઢેર ઢેર પથરાયેલા જોવા મળે છે. ખોડીયાર માતા ના અનેક જગ્યાએ મંદિર આવેલા છે. જેમ કે .....(ખોડીયાર મંદિર - ગળધરા - ગુજરાત , ખોડીયાર મંદિર - માટેલ - ગુજરાત , ખોડિયાર મંદિર - વરાણા - ગુજરાત , ખોડીયાર મંદિર - રાજપરા - ગુજરાત ) આ બધા મંદિર માં અમરેલી જીલ્લાના ધારીગામ પાસે ગળધરા માં આવેલ ખોડીયારમાનું અત્યંત વિખ્યાત મંદિર છે. તો ચાલો જાણીએ આ મંદિર ના ઈતિહાસ વિષે.......



સૌરાષ્ટ્રના ખોડિયાર માતાજીના ત્રણ મુખ્ય મંદિર છે તે પૈકી ગળધરા એક છે. મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામેથી આશરે પાંચ એક કિમી. ના અંતરે શેત્રુંજી નદીને કાંઠે આવેલ છે. અને આ નદી ની વચ્ચે ખુબ ઊંડો પાણીનો ધારો આવેલ છે. તેને ગળધરો અથવા કાળીપાટ ધૂનો પણ કહેવામાં આવે છે. ત્યાં ધુના ની બાજુમાં ઉંચી ભેખડો આવેલી છે. ત્યાં રાયણ ના ઝાડ ની નીચે માં ખોડિયાર ની સ્થાપના થયેલી છે. જોકે અત્યારે હાલ ત્યાં મોટું મંદિર બનાવવા માં આવેલ છે. અને ત્યાં રહેવાની ઉત્તમ સગવડ પણ છે.


એક લોક વાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહી એક રાક્ષસ હતો. તેનો સંહાર કરી માં ખોડલ સહીત સાત બહેનોએ તેને ખાઈણી માં ખાંડી નાખ્યો. ત્યાર બાદ ખોડીયાર માતા એ પોતાનો મનુષ્યદેહ એ ધરામાં ગાળી નાખ્યું. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો તેથી તે ગળધરા નામે પ્રસિદ્ધ થયું. ત્યાં સ્વયંભુ ગળું અહી બિરાજમાન છે. અને તેની ત્યાં પૂજા પણ થાય છે. ઘણા સંતો-મહંતો ને અહિયાં માતાજીએ કન્યા સ્વરૂપે દર્શન પણ દીધા છે. ચોથા સૌકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડિયાર માતાના દેહવિલય બાદ એ ગળધરો જ કહેવાય છે.



નવઘણને માતાજીએ અહીયાજ દર્શન આપ્યા હતા. નવઘણ (ઈ.સ ૧૦૨૫) ખોડિયાર માતાની માનતાથી આવેલ પુત્ર હતો. રા'દયાસ ને ૪૪ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઇ. ત્યારે તેના પટરાણી સોમલ દેવે આઈ ખોડિયાર પાસે પુત્ર પ્રાપ્તિ ની અરજ (યાચના) કરી. અને રાણી ને શ્રદ્ધા ફળી અને માં ખોડિયાર ની કૃપા થી તેના ત્યાં પુત્ર તરીકે નવઘણ નો જન્મ થયો.આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પૂજવાનું શરુ કર્યું. રા'નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહિયાં ગળધરા માં ખોડિયાર ના દર્શને આવતા જતા હતા....



કહેવાય છે કે જયારે રા'નવઘણ તેની જીભ ની માનેલી બહેન જાસલ(જાહલ) ની વારે ચડ્યો ત્યારે તે અહિયાથી પસાર થતો હતો. અને તેનો ઘોડો આશરે ૨૦૦ ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી. જે સ્થળ હાલ પણ ધુનાથી થોડે દુર છે. આ શ્રી ખોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાનક ગળધરા  માં આવેલું છે. 




આ સિવાય આ સ્થાનક  પાસે શેત્રુંજી નદી  ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ ભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામડાના ખેડૂતો ખેતીમાં સિચાઈ તરીકે આપાય છે. 


ખોડિયાર મંદિર એ ઉપરની સપાટીએ આવેલું છે. અને તેની નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે એવું કહેવું હોય તો પણ કહી શકાય. ડેમનો ધોધ એટલો અહલાદ્ક છે કે તે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ. અને તેમાં પણ ભર ચોમાસે ત્યાં જવામાં આવે તો પાણીની ભૂલભુલૈયા ખોવાઈ જવાનું મન થાય તેવું વાતવરણ હોય છે. ધારીની લોકો અહિયાં ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ રાખે છે. અને ભક્તો ની આશા પણ માં ખોડિયાર પૂર્ણ કરે છે. ખોડિયાર મંદિર ને આશરે ૨ કિમી દુર હિંગળાજ માતા નું મંદિર પણ આવેલું છે. ત્યાં પણ કુદરતી દ્રશ્યોનો ભરપુર નજરો જોવા મળે છે. 



દિવાળી અને નવા વર્ષના દિવસે ખોડિયાર ડેમ પર માનવ મહેરામણ દર્શન કરવા અલગ-અલગ સ્થળેથી આવતા હોય છે. અહિયાં મેળાઓ પણ યોજાય છે. અને રહેવા અને ખાવાની સગવડ પણ છે. અને હા મિત્રો ખ્યાલ રહે કે ચોમાસામાં  અહીનું કુદરતી સોંદર્ય ખાસ માણવા લાયક છે....



મિત્રો, આ હતી આઈશ્રી ખોડિયાર માતા મદિર - ગળધરા ની

સંપૂર્ણ માહિતી આવી જ અન્ય માહિતી વાંચવા માંગતા હોવ તો લાઈક કરો અમારું ફેસબુક પેજ Jay Shree Khodiyaar  અને જોતા રહો અમારો બ્લોગ. 


( આ ઈતિહાસ માં કઈ ભૂલચૂક હોય અથવા આ શિવાય ની કોઈ પણ માહિતી તમારી જોડે ઉપલબ્ધ હોય તો તમે અમને કોમેન્ટ્સ/મેસેજ દ્વારા મોકલી આપો અમે તેને અહિયાં રજુ કરશું.....)

આવીજ અન્ય રસપ્રદ માહિતી નીચે આપેલી લીંક ઓપેન કરી વાંચો...




Tuesday, 25 July 2017

માંડણીયાની બહુચર- મેલડી વાર્તા.......

માંડણીયાની બહુચર- મેલડી.....
માંડણીયાની બહુચર- મેલડી.....વાર્તા 
વીરમગામની બાજુમાં એક નાનું સરખુ ગામ આવેલું છે. આ ગામમાં એક માંડણીયો કરીને વાઘરી હતો. આ માંડણીયો માં બહુચર- મેલડીનો ભુવો હતો. આ માંડણીયાની ઉંમર 90 વરસની થઇ પણ તેને કોઇ દીકરો- દીકરી નતી એક દીવસ માંડણીયાએ વીચાર કરીયો કે, હવે મારી ઉંમર થઇ છે, ગમે ત્યારે આ કાચી માટીનો દેહ પડી જાય. હું મરૂં તે પહેલા મારી દેવી બહુચર અને મેલડીને છેલ્લી વખત જમાડી લઉ.
આમ વીચારી માંડણીયાએ નવરાત્રીના બહુચર- મેલડીનો નવરંગો માંડવો નાખ્યો અને વાઘરીની નાતને બોલાવી. માંડણીયે બહુચર- મેલડીની જમાડી અને વાઘરીની નાતને પણ માતાજીનો પ્રસાદ લેવા માટે જમવા બેસાડી. વાઘરીની નાત માતાજીનો પ્રસાદ જમી રહી હતી ત્યારે વાઘરીની નાતમાં એક વાઘરીએ મેણું મારીયું કે, માંડણીયા હવે તું છેલ્લી વખત તારી દેવીને જમાડી લે, હવે પછી તારી દેવી નહીં જમે કેમ કે તું તો વાંઝીયો છે. હવે તારા ગામમાં કોઇ વાઘરીની નાતેય નહીં ભરાય. માંડણીયે કીધું કે મારી નાતું તમે શાંતીથી જમી લ્યો...
પણ માંડણીયા ભુવાના રૂંવાડા સમ -સમ બેઠા થઇ ગયા. અને બહુચર- મેલડીના મંદીરમાં આવી પોક મુકીને રોવા માંડ્યો. બે કલાક માંડણીયો રોયો, કેમેય કરીને માંડણીયો શાનો રહેતો નથી. પછી બહુચર- મેલડીને થયું કે, મારો ભુવો રોવે છે, મારા માંડણીયાને મારે બહુચર- મેલડીએ રૂબરૂ મળવા જાવું પડશે.અને બહુચર - મેલડી માંડણીયાને મઢમાં રૂબરૂ મળવા આવી અને કીધું કે, માંડણીયા મારા દીકરા કેમ રોવો છે.....?
માંડણીયે કીધું કે, મારા દેવી મેં તારો આ માંડવો નાખ્યો તેના કરતા તેં મને મારી નાખ્યો હોત તો સારૂં હતું.
બહુચર - મેલડીએ કીધું કે, કેમ ?
માંડણીયે કીધું કે, વાઘરીની નાતે મને વાંઝીયા મેણું મારીયું છે, આમ તો હું આ મેણું ખમી હકેત પણ હું તમારો ભુવો છું એટલે આ મેણું મારાથી નથી ખમાતું.
પછી બહુચર- મેલડી બોલી કે, માંડણીયા તારી નાતને થોડીવાર પછી મઢમાં ભેગી કર, જો મેણાનું પતીત ન આપું તો અમને બહુચર- મેલડીને રામ- રામ ન કરતો....જા....
થોડીવાર પછી વાઘરીની નાત મઢમાં ભેગી થઇ. પછી બહુચર અને મેલડી માંડણીયા ભુવાને ત્રણ તાલે ધુણવા ઉતરી. અને કીધું કે, મારી નાતું તમે મારા ભુવાને વાંઝીયા મેણું મારીયું.....
પણ માંડણીયાને આજથી નવ મહીને દીકરો આપું તો એમ માનજો કે, માંડણીયાની બહુચર- મેલડી બોલી તી.
એટલે વાઘરીની નાત બોલી કે, માં બહુચર- મેલડી, હવે આ માંડણીયાને 90 વરસની ઉંમર થઇ છે અને તેના ઘરેથી જે ડોસી છે, તેની 80 વરસની ઉંમર થઇ છે, તું આમને દીકરો કેમનો આપીશ.
એટલે બહુચર- મેલડી ફરી વોરંકો લાવી, આંસકો મારીને બોલી કે, મારી નાતું મારા મઢની બહાર જે સુકાઇ ગયેલો લીંમડો છે ને, તેના ઉપર એક કપડું ઓઢાડી દો. થોડી વાર પછી કપડું લીંમડા ઉપરથી લઇ લો. જો આ સુકાઇ ગયેલા લીંમડાને ત્રણ લીલા પાંદડા ફુટ્યા હોય તો એમ માનજો કે, હું માંડણીયાની બહુચર- મેલડી બોલ્યા પછી બીજું નહીં બોલે.
ખમા...ખમા મારી માંડણીયા ભુવાની વાઝેણ મેલડી- બહુચર....ખમા...
ખમા તારા મોંઘેરા અવતારને.......

તો મિત્રો આ હતી માંડણીયાની બહુચર- મેલડી...ની વાત… તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોવ તો લાઈક કરો અમારું પેજ Jay Shree Khodiyaar ને લાઈક કરો અને અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો...... બ્લોગ એડ્રેસ : https://balabahuchar.blogspot.com

આ વાર્તા પણ વાંચવી ગમશે..... 





Monday, 24 July 2017

"જહુ માતા"ની ઉત્પતીની વાત…

તમે માતાજી ને માનતા હોય તો લાઇક અને શેર કરો.

વરસો પહેલાની આ વાત છે. પાટણ જીલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે. આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું. જેમાં એક દરબારના ઘરે દેવી શક્તી માં જહુએ અવતાર લીધો. આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું. જસી 15-16 વરસના થયા, ત્યારે બન્યું એવું કે, ધાયણોજ ગામમાં એક ધૂળીયો ઢોલી કરીને નામચીન ઢોલી હતો. આ ધૂળીયો ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેઓ હતો આ ધૂળીયાનો ઢોલ.
એક વખત નવરાત્રીના દીવસે ધૂળીયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો. રાતના 9-10 વાગ્યે ધૂળીયે ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કરીયા. આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવી હતી. ગરબે રમતા રમતા રાતના 2 વાગ્યા. એક બાજુ આ ધૂળીયો ઢોલી વગાડતા થાકતો નથી અને આ બાજુ જસી ગરબે રમતા થાકતા નથી. ગામના ચોકમાં રાતે 2 વાગ્યે ધૂળીયાની અને જસીની હળા-સળી ચાલુ થઇ.
આમ કરતા કરતા રાતના 3 વાગ્યે જસીના બાપાએ કીધું કે, જસી હવે ઘરે ચાલો 3 વાગ્યા છે. પણ ગરબાના તાનમાં જસીને કાંઇ સંભળાયું નહી. થોડીવાર પછી ફરીથી કીધું કે, જસી ચાલો ઘરે બઉ મોડું થઇ ગયું છે, પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે.
પરોડીયાના ચાર વાગ્યા એટલે જસીની માંએ કીધું જસી પરોડીયું થયું ચાલો ઘરે. પણ જસીએ સાંભળ્યું નહીં. એટલે જસીની માં એ જસીને મેણું મારીયું કે, “જસી ઘરે ના આવવું હોય તો જાવ ધૂળીયા ઢોલીની સાથે”, અને જસી આ “મેણું” ખમી ના સકી.
સવારે 6 વાગ્યે ધૂળીયો પોતાના ગામ ધાયણોજ બાજુ રવાના થયો અને જસી ધૂળીયાની પાછળ - પાછળ ચાલી આવે છે. ધૂળીયે થોડે દૂર જઇને પાછળ જોયું તો જસી આવતાંતા. એટલે ધૂળીયા ઢોલીએ ઉભા રહીને પૂછ્યું કે, “બુન જસી કેમ મારી પાછળ પાછળ ચાલ્યા આવો છો?, એટલે જસી બોલી કે, ધૂળીયો હું મેણાની મારી છું, મારી માંએ મેણું મારીયું છે કે, ઘરે ના આવો તો જાવ જો ધૂળીયા ઢોલી સાથે. એટલી હું તારી સાથે આવું છું.
એટલે ધૂળીયો બોલ્યો કે, જસી તમે મારી સાથે આવો એમાં મને કાંઇ વાંધો નથી પણ હું જાતનો ઓરગાણો છું અને તમે દરબારની દીકરી છો. એટલે જસી બોલી કે, ધૂળીયા હું ધાયણોજ ગામની આ આંબલી આસન વાળું છું તું કાલે અહીં મારૂં ડેરૂ (મંદીર) બનાવશે અને જો જગતમાં ધૂળીયાની જહુ ગુજરાતભરમાં ડંકો ના વગડાવું તો મારૂં જહુનું વેણ છે.
બીજા દીવસે ધૂળીયે ધાયણોજની આંબલીએ પાંચ ઇટનું દેરૂ બનાવ્યું અને અબીલ- ગુલાલથી જહુનું મંડાણ માંડ્યું. આમ કરતા કરતા એકાદ વરસનો સમય વીતી ગયો.
એક દીવસ ધાયણોજ ગામમાં મહાદેવના મંદીરની સામે એક કુંતરું મરી ગયું. મહાદેવના મંદીરના પુજારીએ ધૂળીયાને ઘરે બે ચેલાને મોકલ્યા અને સમાચાર કહેવડાવ્યા કે, આ કુંતરૂં તાણી જાય. ત્યારે બન્યું એવું કે, ધૂળીયો તેના પરીવાર સાથે બહાર ગામ ગયો હતો. અને આ પુજારીને બે ચેલા ધૂળીયાને ઘરે આવીને ઘરનો દરવાજો ખખડાવ્યો. આ બાજુ જહુ માતાએ વીચાર કરીયો કે, મારે હવે જાગૃત થવાનો સમય થઇ ગયો છે. એટલે જહુ માતાએ 80 વરસની ડોસીનો આવતાર લઇને ધૂળીયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે, શું કામ છે ભાઇ....
એટલે આ બે જણા બોલ્યા કે, મહાદેવના મંદીરની સામે કુતરૂ મરી ગયું છે, ધૂળીયો ક્યાં છે?, 

જહુ માતાએ કીધું કે, ધૂળીયો તો બહારગામ ગયો છે. 
એટલે આ બે જણાએ કીધું કે, ધૂળીયો ઘરે ના હોય તો તમે કુતરૂં ખેંચી જાવને. 
પણ મારી જહુ મેલડી આ વાત ખમી ના શકી અને કીધું કે, તમે જાવ હું કુંતરૂં ખેંચવા આવું છું.

આ બે જાણ મહાદેવના મંદીરના મારગે પડ્યા અને મારી જહુએ હાથમાં નાની લાકડી અને જોડા પહેરીને મહાદેવના મંદીરના મારગે પડી. મંદીર પાસે જઇને કીધું કે, પુજારી બાપા કુતરૂં ક્યાં પડ્યું છે....

એટલે મંદીરના પુજારી બોલ્યા કે, જુઓ એ સામે પડ્યું....બે દીવસથી મરેલું પડ્યું છે. 
જહુ માતા કુતરાથી છેટે ઉભી રહીને હાથમાં રહેલી લાકડીથી કુતરાને ત્રણ ટપોરા મારીયા કે, કુતરુ તરત આળસ ખાઇને બેઠું થયું. પુજારીને આ દ્રશ્ય જોઇને સમજતા વાર ન લાગી. પુજારીએ વીચાર કરીયો કે, આ કોઇ જોગમાયા લાગે છે. આ પુજારીએ આ ડોસી સામે લમણો વાળ્યો તો જહુ માતા મંદીરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી એક વેત ઉપર ચાલવા માંડી અને જોત જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઇ ગઇ. અને ત્યાંથી પુજારીને ટહૂકો કરીયો કે, હું ધૂળીયા ઢોલીની જહુ માતા છું. કાલે મને ગામમાં તેડી લાવજો, જો ઘડીવાર ગામને સુનું મુકુ તો મારૂં નામ જહુ નહીં.

બીજા દીવસે ગામ લોકોએ ભેગા થઇને જહું માતાને ગામમાં લાવ્યા. અને આજની તારીખે પણ મારી જહુના દીવા ધાયણોજ ગામમાં જળહળે છે. જહું માતા ગુજરાતના ઘણા ગામમાં પુજાય છે. પરંતુ તે બધા ગામમાં આ ધાયણોજથી ગયેલી જહુ માતા છે.
મિત્રો આ વાર્તા મેં પેલા મુકેલી છે પણ અમુક મિત્રો નું કેહવું હતું કે જહુ માની વાર્તા મુકો એટલે ફરી મુકું છું તો આપ સઉ સાથ સહકાર આપજો અને દરેક લોકો શેર કરો જેથી દરેક લોકો ને વાચવા મળે... માં જહુ આપની માનો કામના પરી કરે જય જહું માં..


તો મિત્રો આ હતી "જહુ માતા"ની ઉત્પતીની વાત… તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોવ તો લાઈક કરો અમારું પેજ Jay Shree Khodiyaar ને લાઈક કરો અને અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો...... બ્લોગ એડ્રેસ : https://balabahuchar.blogspot.com

    Friday, 21 July 2017

    સોલંકી કુળ ના માં બહુચરાજી એ સોલંકી કુળ ને ઉગાર્યા તેનો ઇતિહાસ................

    સોલંકી કુળ ના માં બહુચરાજી એ સોલંકી કુળ ને ઉગાર્યા તેનો ઇતિહાસ




    કાલરી ગામ ના સોલંકી રાજા વજેસિંહ ચુંવાળના ૧૦૮ ગામ ના રાજા હતા. આ રાજા ના લગ્ન વસાઈ ગામ ના વાઘેલી કુંવારી સાથે થયા હતા. વજેસિંહ સોલંકી ને બીજી રાણીઓ પણ હતી. પરંતુ વૃદ્ધાવસ્થા આવવા છતાં તેમને પુત્ર સુખ મળ્યું નહોતું . છેવટે જુવાન વાઘેલી રાની ને મધરાતે એક બાળક અવતર્યું પણ તે પુત્ર ની પણ પુત્રી હતી. રાની એ પુત્રી જન્મ્યા ની વાત ગુપ્ત રાખી કારણકે વારસદાર-પુત્ર ન હોય તો રાજગાદી પિ`તરાઈઓ ના હાથ માં જવા નો ડર હતો. આથી રાની એ દાસી સાથે મસલત કરી ને સવારે રાજા ને ખબર મોકલાવી કે વાઘેલી રાની ને પુત્ર જન્મ થયો છે. રાજા આ સાંભળી ને ખુબ ખુશ થયા.


    રાની એ કન્યા ને પુરુષ ના કપડા પહેરાવી વડારનો ને સાધી ને વાત અત્યંત ગુપ્ત રાખી. સૌ કોઈ સોલંકી ને ત્યાં પુત્ર જન્મ્યા નું માનતા હતા. કુંવર નું નામ તેજપાલ રાખ્યું. તેનું સગપણ પાટણ ના ચાવડા રાજા ની પુત્રી સાથે કરવા માં આવ્યું. અંતે તેજપાલ ના ચાવડી રાજકન્યા સાથે લગ્ન પણ થઇ ગયા. હવે ગુપ્ત રાખેલ રહસ્ય ખુલવા નો સમય નજીક આવ્યો. જયારે કુંવરી હર્ષપૂર્વક પતિ પાસે ગયા ત્યારે ગુપ્તતા ખુલ્લી પડી ગઈ. તે પોતાના જેવી જ એક યુવતી ને પરણી છે એ જાણી ને તે ખુબ દુ:ખી થયા. એમની આશાઓ અને અરમાનો પડી ભાંગ્યા. જગત માં કોઈ નવોઢા ને ન સાંપડી હોય તેવી ગાઢ નિરાશા એમને ઘેરી વળી અને આ દુ:ખિયારા ચાવડી કન્યા હતાશ મને પિયર ચાલી આવ્યા. પોતાના દુ:ખ ની વાત ને કોઈ ને કહી શકતા નહોતા ને મનમાં જ મૂંઝાતા હતા. દીકરી ની ચિંતા માં કળી ગઈ એમને દિકરી ને બેસાડી ને પ્રેમ થી પૂછ્યું, "બેટા ! તું કેમ આટલી દુ:ખી દેખાય છે ? "

    રડતી આંખે દિકરીએ માં આગળ આપવીતી કહી તેમને કહ્યું, "તમે મને પુરુષ સાથે નહિ પણ એક સ્ત્રી સાથે પરણાવી છે. તમારા જમાઈ-સોલંકી કુંવર પુરુષ નથી પરંતુ પુરુષ ના કપડા માં સ્ત્રી જ છે" . કાનોકાન આ વાત સમગ્ર રાણીવાસમાં ફેલાઈ ગઈ. એ વાત ની જાણ પાટણ ના રાજા ચાવડા ને પણ થઇ. પોતાના જમાઈ વીશે સાચી હકીકત શી છે તે જાણવા માટે પાટણ ના ચાવડા રાજાએ પોતાના જમાઈ સોલંકી ને પોતાને ત્યાં રમવા-જમવા બોલવા નો પત્ર લખી એક સાંઢણી કાલરી તરફ હંકારી મોકલાવી. પત્ર માં લખ્યું હતું કે જમાઈરાજ સાથે તમે અને તમારા સાથે તમારા બધા સોલંકી મિત્રો પણ બે દિવસ આનંદપ્રમોદ માટે અમારે ત્યાં પાટણ પધારો.

    આ સંદેશો સોલંકી રાજા ને મળતા ચારસો (૪૦૦) સોલંકી એકઠા થઇ ઘરેણા વગેરે પહેરી, બખ્તર વગેરે ચઢાવી પાટણ ના વેવાઈ ચાવડા રાજા ને ત્યાં પોતાના કુંવર સાથે ગયા. ત્યાં જમવા ની તૈયારી થવા લાગી ત્યારે પાટણ ના ચાવડા રાજા એ તેજપાલ ને કહ્યું " જમાઈરાજ તમે સ્નાન કરી લો , સૌ સાથે જમવા બેસીએ ." આ વેણ સંભાળતા જ સોલંકી કુંવર ઊંડા વિચાર માં પડ્યા , ને કંઈ જ બોલ્યા વિના ઉભા રહ્યા , એટલે સસરા એ ફરીથી કહ્યું , "જમાઈરાજ તમે થાક્યા પાક્યા આવ્યા છો તો નહાવા બેસો , અમે ચોળી ને નવડાવી એ . " તે વખત તેજપાલ વિચારવા લાગ્યા કે , ' હું ઉંમરલાયક કન્યા છું . પુરુષ નથી . વસ્ત્ર ઉતારી નાહવા બેસીશ તો સૌ ની વચ્ચે મારો ભેદ ખુલ્લો પડી જશે .' તે વખતે આગ્રહ કરતા તેમના વડસસરાએ તેમનો હાથ પકડવા નો પ્રયત્ન કર્યો. તે જોઈ તેજપાલ ઘૂંઘવાઈ ને કમર માંથી કટારી કાઢી ને ખેંચતા વડસસરા ને હુલાવી દીધી.

    આખા પાટણ માં હાહાકાર મચી ગયો. ચાવડા રાજા ના સૈનિકો મૂંઝવણ માં હતા. આ તક નો લાભ લઇ ને તેજપાલે પોતાના ચાકરને પોતાની લાલ ઘોડી લાવવા હુકમ કર્યો. એટલા માં ચાવડા રાજા ના સૈનિકો તેમને ઘેરી વળ્યા અને તેમને મારવા નો પ્રયત્ન કરવા લાગ્યા. પણ ક્ષત્રિયો બોલી ઉઠ્યા કે તેમને મારશો નહિ . કારણ કે તે એક સ્ત્રી છે. અને સ્ત્રી હત્યા નું પાપ તે ગૌવધ ના પાપ બરાબર છે. તેજપાલે ઝડપ થી લાલ ઘોડી પર સવાર થઇ લગામ ખેંચી. તેમને રોકવા ચાવડા રાજા એ પાટણ ના બારેય દરવાજા બંધ કરાવી દીધા અને સૈન્ય ને લઇ ને તેમની પાછળ પડ્યા. આ સમયે તેજપાલ ને બચાવવા ચારસો (૪૦૦) સોલંકી ચાવડા સૈન્ય સાથે જંગે ચઢ્યા. અંતે એ ચારસો સોલંકી યોદ્ધાઓ વીરગતિ પામ્યા. અને તેજપાલ ઘેરાઈ ગયા. તેજપાલે પણ ક્ષત્રિયનું શૌર્ય બતાવી ને ચાવડા રાજા સાથે મરણીયો જંગ આદર્યો અને સાતસો ( ૭૦૦ ) ચાવડા સૈનિકો ને ઢાળી દીધા.

    અંતે તે પોતાની ઘોડી ને એડી મારી ને પાટણ નો કોટ કુદાવી બહાર આવી ગયા. એ દક્ષીણ દિશા માં ભર જંગલ ની ઝાડી તરફ નાસવા લાગ્યા આ વખતે તેજપાલ સોલંકી ની સાથે એક કુતરી પણ ઘોડીનો સાથ કરતી દોડી રહી હતી. તે વખતે જેને શુરાતન ચડેલું છે તથા અંબોડો છૂટો મૂકી દીધો છે તેવા તેજપાલ શ્રી માતાજી ના સ્થાનક પાસે ના બોરુવન માં આવી પહોંચ્યા, સાંજ પડી ગઈ હતી. ઉનાળા નો ચૈત્ર મહિનો હતો એટલે તે તાપ થી અકળાતા હતા. હાલ જ્યાં શ્રી બાલા બહુચરાજી માતાજી નું સ્થાન છે અને માન-સરોવર છે ત્યાં આવી તેજપાલે વિસામો લીધો. સાથે કુતરી પણ ખુબ તરસી થઇ હતી. ત્યાં પાણી નું નાનું તળાવડું અને વરખડી નું ઝાડ હતું. તે જળાશય માં કુતરી પાણી પીવા પડી અને નાય ને આળોટવા લાગી, તેજપાલ આ બધું જોતા હતા કારણકે છેક પાટણ થી આફત સમયે અહી સુધી સાથે આવેલી કુતરી પ્રત્યે તેમને સદભાવ થયો હતો.

    પણ તેજપાલ ના આશ્ચર્ય વચ્ચે શ્રી જગદંબા બાલા બહુચરાની કૃપા થી જળાશય માં નહાવા પડેલી કુતરી હવે કુતરો બની ગઈ હતી. તેજપાલે તે નજરે જોયું અને એ ભારે અચંબો પામ્યા. સમી સાંજ હતી તેથી વરખડી ઝાડ પર ચઢી તેમણે જોઈ લીધું તો વન માં એટલામાં ફરતે કોઈ દેખાયું નહિ, એટલે નહાવા માટે વસ્ત્ર ઉતારવા માં કોઈ વાંધો ના જણાયો. તેમણે પ્રથમ તો ખરી કરવા પોતાની લાલ ઘોડી ને જળાશય માં નાખી તો જગદંબા ની કૃપા થી તો ઘોડી મટી ઘોડો થઇ ગયો. હવે પૂરી ખાતરી થતા તેમણે પણ વસ્ત્ર ઉતારી તળાવ માં જંપલાવ્યું તો માની કૃપા થી તેમના સ્ત્રી ના ચિન્હો જતા રહ્યા. એમને મૂછો સુદ્ધા આવી અને તે નારી મટી નર બની ગયો.


    રાત ત્યાજ ગાળી ને સવારે આગળ પ્રસ્થાન કરતા પહેલા આ જગ્યા ઝટ જડે તે માટે તેમને વરખડીના ઝાડ પાસે ત્રિશુલનું ચિન્હ કરી નાખ્યું. અને પછી કાલરી ગામ તરફ રવાના થયા. ગામ પાસે આવી તેમને પોતાના ઘરે વધામણી મોકલી. સૌ હર્ષ પામી સમા તેડવા આવ્યા અને તેમને માન પૂર્વક ઘરે લાવ્યા. પછી તેમણે પાટણ માં પોતાના સાસરે પોતાની પત્નીનું આણું વળાવવા માંગણી કરી. ચાવડી કન્યાએ પણ પુરા સમાચાર જાન્ય અને તેમની ખુશીનો પાર ના રહ્યો તેમણે સાસરે પગલા માંડ્યા પાટણના ચાવડા રાજાને જાણતો કરી હતી કે શ્રી બહુચરાજી માતા ની કૃપા થી તથા ચમત્કારથી પોતાના જમાઈને પુરુષતન મળ્યું છે, પણ હજુ તેમને શંકા હતી. આથી શ્રી બહુચરાજી માતાએ રાજા ને , સ્વપ્ન આપી આ વાત સાચી છે એમ જણાવ્યું. આથી તે ખુબ ખુશ થયા, એટલું જ નહિ પણ સોલંકી કુંવર ને પગે પડ્યા. તેમણે શ્રી જગદંબા પાસે માફી માંગી કે હે શ્રી જગદંબા, "હે આદ્ય શક્તિ ! મેં તારા સેવકનો મહાન અપરાધ કર્યો છે , મને ક્ષમા કર. અને પ્રસન્ન થા." તેમની ક્ષમા પ્રાર્થનાથી દયાળુ જગદંબા એ તેમને અભય વરદાન આપ્યું.



    ત્યાર પછી પોતાની પત્ની તથા સસરા વગેરેને લઇ ને તે સોલંકી કુંવર તેજપાલ બહુચરમાંના પ્રાગટ્યવળી જગ્યાએ આવ્યા. વરખડીના ઝાડ પર તેમને ત્રિશુળનું ચિન્હ કરેલું આથી તે જગ્યા તરત જ જડી ગઈ. વનમાં તે જ જગ્યાએ સોલંકી એ શ્રી બાલા ત્રિપુરા બહુચારામ્બા નું નાનું મંદિર ( હાલ મોટા મુખ્ય મંદિર પાછળ વરખડીવાળું સ્થાન ) બંધાવ્યું ત્યાં જે નાનું જળાશય હતું. જેમાં નહાવાથી પોતે પુરુષાતન પામેલા તે પુરાવી નાખ્યું વરખડીનું ઝાડ પણ અંદર રહે તે રીતે સંવત ૭૮૭ માં મંદિર બંધાવ્યું. અત્યારનું જે માન-સરોવર છે તે પણ એવા જ ચમત્કારી જળવાળું મનાય છે. આ મંદિરમાં સોલંકીએ ઉત્તરાભિમુખનો શ્રી માતાજી નો ગોખ બનાવી તેમાં ચાર હાથવાળી શ્રી બાલા બહુચરાજી માતાજીની મૂર્તિ પણ પધરાવીને પ્રતિષ્ઠા કરાવી.



    શ્રી માતાજીના આ પ્રગટ્યથી તેમના પરચાઓ દુનિયાભરમાં ફેલાઈ ગયા. શ્રી બાલા બહુચરાજી માતાને ચમત્કારીક જાણી તેમના ઘણા ભક્તોએ ઘણા ગામોમાં તેમના મંદિરો બંધાવ્યા છે. ભક્ત કવિ શ્રી દયારામભાઈ લખે છે કે - " શ્રી બાળા બહુચરાજી - ત્રિપુરા સુંદરીનું આ પ્રાગટ્ય ચૈત્ર સુદ પૂનમના દિવસે થયું હતું.આ ચમત્કારની વાત સમગ્ર ચુંવાળ પંથકમાં પર્સરતા માતાજીના દર્શને હજારો લોક ઉમટી પડ્યા.ત્યારથી ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે અને વર્ષો વર્ષ ભક્તોની સંખ્યા વધતી જાય છે.



    તો મિત્રો આ હતી સોલંકી કુળ ના માં બહુચરાજી એ સોલંકી કુળ ને ઉગારિયાનો ઇતિહાસ તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોવ તો લાઈક કરો અમારું પેજ Jay Shree Khodiyaar ને લાઈક કરો અને અમારા બ્લોગ ની મુલાકાત લેતા રહો...... 
    બ્લોગ એડ્રેસ : https://balabahuchar.blogspot.com

    આવી બીજી અન્ય માહિતી માટે નીચે આપેલી લીંક ઓપેન કરો 

    1. માં ખોડિયારના પ્રાગટ્ય અને વાહન મગર વિશે...
    2. ભગવાન શ્રી સ્‍વામીનારાયણની માણકી ઘોડીનો ઇતિહાસ...
    3. શ્રી રવેચી માતાજી – રાપર કચ્છ નો ઈતિહાસ
    4. ક્લિક કરો અને જાણો ખોડિયાર માતાનું પ્રાગટ્ય:














    Thursday, 20 July 2017

    માં ખોડિયારના પ્રાગટ્ય અને વાહન મગર વિશે...

    માં ખોડિયારના પ્રાગટ્ય અને વાહન મગર વિશે, આ રસપ્રદ ઘટના જાણવા જેવી
    આ લેખમાં તમને જણાવી રહ્યા છીએ માતા ખોડિયારના પ્રાગટ્ય તથા તેમની સાથે જોડાયેલી થોડી રોચક કથાઓ વિશે......

    ખોડિયાર માતાનું પ્રાગટ્ય: 

    ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળ નામનો એક ચારણ રહેતો હતો. જે માલધારીનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતો હતો. આ ચારણપુત્ર પર માતા સરસ્વતીની કૃપા અપરંપાર હતી. એને જીભે સરસ્વતી હોવાથી વલ્લભીપુરના રાજા શિલાદિત્યનો માનીતો હતો. તેને દરબારમાં સૌ કોઇ મામળદેવ તરીકે ઓળખતા હતા. તેમનાં પત્ની દેવળબા પણ અત્યંત ધાર્મિક અને પરગજુ સ્વભાવનાં હતાં. ઘરે ખૂબ જ લક્ષ્મીનો વાસ હતો પણ આ સુખી સંસારમાં શેરમાટીની ખોટ હતી. વલ્લભીપુરના રાજદરબારમાં મામળદેવની વધતી જતી લોકચાહનાથી અનેક ઇર્ષાળુઓને મામળદેવ હવે આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા. ઇર્ષાળુ લોકોએ એકદિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી કે મામળદેવ નિ:સંતાન છે. તેનું મોં જોવાથી અપશુનક થાય અને આપણું રાજપાઠ એક દિવસ ચાલ્યું જાય તો નવાઇ નહીં. રાજા શિલાદિત્ય ઇર્ષાળુ લોકોની વાતમાં આવી ગયા. એકવાર રાજાએ મામળને કહ્યું કે ભાઇ મારે વાંઝિયાનું મોઢું નથી જોવું માટે તું અહીંયાં આવીશ નહીં. મામળ તો ખૂબ જ દુ:ખી થયો. લોકો પણ મામળને વાંઝિયા મહેણું મારવા લાગ્યા. મામળ દુ:ખી હૃદયે ઘરે આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે.
    મામળને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી. તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા કરશે. ઘણી જ આરાધના કરવા છતાંય ભગવાન શિવ પ્રસન્ન ન થતાં મામળે પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતા હતા કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું કે: પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તમારે ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે.

    મામળદેવ ખુશ થઇને ઘરે ગયા અને પોતાની પત્નીને સઘળી વાત કરી. તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહા સુદ આઠમને રવિવારના શુભદિને આઠ ખાલી પારણાં રાખ્યાં. જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયાં અને બાળક સ્વરૂપ ધારણ કર્યું. મામળદેવને ત્યાં અવતરેલ કન્યાનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઇ, હોલબાઇ, સાંસાઇ અને સાત બહેનોમાં સૌથી મોટી બહેન ભવગતી જગદંબા જાનબાઇ (ખોડિયાર)અને ભાઇ મેરલદેવના જન્મના સમાચાર સાંભળતાં રોહિશાળા ગામમાં આનંદ છવાઇ ગયો.
    જાનબાઇ ખોડિયાર નામે પૂજાયાં: એકવાર જાનબાઇના એકના એક ભાઇ મેરલદેવને ખેતરમાં ઝેરી સાપે ડંખ માર્યો. ઝેર એવું હતું કે ઊતરવાનું નામ જ નહોતું લેતું. સાતેય બહેનોના જીવ અધ્ધર થઇ ગયા. મેરલદેવને ઝેર ચડતું જતું હતું. આવા સમયે બધા જ જુદા જુદા ઉપાયને અજમાવતા હતા. પણ એક સાધુએ કહ્યું કે આ ઝેર પાતાળમાં નાગલોક પાસે રહેલા અમૃત જળથી ઊતરી શકે, પણ જો આ જળને સૂર્યાસ્ત પહેલાં લાવવામાં આવે તો જ આ મેરલદેવનું જીવન શક્ય છે. બસ આટલું જ સાંભળતાં જ જાનબાઇ મેરલદેવનો જીવ બચાવવા માટે પાતાળલોકમાં જવા નીકળી ગયાં. જ્યારે જાનબાઇ પાતાળલોકમાંથી અમૃત કળશ લઇને આવતાં હતાં ત્યારે ઉતાવળને લીધે તેમના પગમાં ઠેસ વાગી, કારણ કે સૂર્યાસ્ત પહેલાં કળશનું અમૃત મેરલદેવ સુધી પહોંચાડવાનું હતું.

    પગમાં ઇજાને કારણે જાનબાઇ ચાલી શકતાં ન હતાં તેથી તેમણે મગરની મદદ લીધી. તે મગર પર બેસીને મેરલદેવ સુધી પહોંચ્યાં અને મેરલદેવનો જીવ બચાવ્યો ત્યારે તો બધાના જીવમાં જાણે જીવ આવ્યો અને જાનબાઇ પગમાં ઠેસને કારણે ખોડાતાં ચાલતાં હતાં તેથી સૌ બોલ્યા કે ખોડલ આવી. બસ, આ દિવસથી જાનબાઇ મા ખોડિયારના નામે ઓળખાવા લાગ્યાં. ત્યારથી મગર જાનબાઇનું વાહન બન્યો. મગરને સોનાની વાળી નાકમાં પહેરાવી આશીર્વાદ આપ્યા અને મા ખોડિયારે કહ્યું કે આજથી તું મારું વાહન ગણાઇશ.

    રાનવઘણનો જીવ બચાવ્યો: રાજા રાનવઘણ જ્યારે તેમની બહેનોને બચાવવા માટે યુદ્ધ માટે જતા હતા ત્યારે ખોડિયારમાના મંદિરની નજીક 200 મીટરની ઊંચાઇએથી તેમણે ઘોડાને કૂદાવ્યો હતો. છતાં પણ મા ખોડિયારની કૃપાથી રાનવઘણને કોઇ પ્રકારની ઇજા નહોતી થઇ. રાનવઘણને મા ખોડલ પર અપાર શ્રદ્ધા હતી. તેઓ વારંવાર તેમના રસાલા સાથે અથવા ઘોડા પર બેસીને પાંચ-સાત ગાઉ દૂર માતાનાં દર્શને જતા. રાનવઘણના માતા સોમલદેને ખોડિયાર માતા ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને તેમના આશીર્વાદથી જ રાનવઘણનો જન્મ થયો હતો.
    જગપ્રસિદ્ધ ખોડિયાર ધામો: 
     રાજપરા : 
    ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાના રાજપરા (ખોડિયાર) ગામમાં આવેલું ખોડિયાર મંદિર ખૂબ જ પ્રચલિત છે. આ ખોડિયારધામ ભાવનગરથી 17 કિ.મી. તથા સિહોરથી 4 કિ.મી.ના અંતરે આવેલું છે. માતાજીના મંદિરની સામે જ તાંતણિયો ધરો આવેલો છે. તેને કારણે જ આ મંદિર તાંતણિયા ધૂરાવાળા ખોડિયાર તરીકે પ્રસિદ્ધ છે. 

    માટેલ: 

    રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ખોડિયાર માનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ઊંચી ભેખડો ઉપર માતાજીનું મંદિર આવેલું છે. અહીં માતાજીનું જૂનું સ્થાનક છે. તેમાં ચાર મૂર્તિઓ છે જે આવડ, ખોડિયાર, હોલબાઇ અને બીજબાઇની છે. અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે જેની નીચે ખોડિયારમાના બહેન જોગડ, તોગડ અને સાંસાઇના પાળિયા છે. 
    ગળધરા: 
    અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.ના અંતરે શેત્રુજી નદીને કાંઠે ખોડિયાર માનું મંદિર આવેલું છે. અહીં શેત્રુજી નદીની વચ્ચે ખૂબ જ ઊંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો કહેવાય છે. ત્યાં ધરાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. રાજા રાનવઘણ ગળધરા ખોડિયાર માતાજીનાં દર્શન કરવા આવતો હતો. કાગવડ, ભાયાવદરમાં પણ ખોડિયાર માતાનાં મંદિર આવેલાં છે. જે માઇભક્તો માટે આસ્થાનાં પરમધામ સમાં છે.

    Wednesday, 19 July 2017

    ભગવાન શ્રી સ્‍વામીનારાયણની માણકી ઘોડીનો ઇતિહાસ...

     જાણવા જેવો માણકી ઘોડીનો ઇતિહાસ



    રાણા પ્રતાપના ઘોડા ચેતકનું નામ પ્રખ્‍યાત છે. તેમજ નેપોલીયનના ઘોડા બ્‍યુ સેફેલેસનું નામ પ્રખ્‍યાત છે. પણ એ ઘોડાઓનો ઉપયોગ યુધ્‍ધમાં થયો હતો.પરંતુ ભગવાન સ્‍વામિનારાયણની અલૌકીક માણકી ઘોડીની જીવનકથા અનેરી છે. સર્વ દેવોને પોતાના વાહનો હોય છે. તેમ, ઇતિહાસ એમ કહે છે કે, શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનું દૈવી વાહન એટલે માણકી ઘોડી .

    જસદણમાં કાઠી દરબારને ત્‍યાં એક દૈવી ઘોડી હતી અને ઘોડીનું નામ સામર્થી, સારાએ કચ્‍છ-કાઠીયાવાડમાં પંકાવા લાગી હતી. કચ્‍છમાં એક મિયાણો હતો અને તે અઠંગ ચોર હતો. આ જાતવાન ઘોડી ચોરી  વવાની તીવ્ર ઇચ્‍છા જાગી પરંતુ કાઠીને ત્‍યાં કડક બંદોબસ્‍ત હોવાથી એ ઇચ્‍છા મનમાં જ રહી ગઇ.

    સમય જતા તે મિયાણાનો અંતકાળ આવ્‍યો... અને તેમનો જીવ કોઇ રીતે જતો ન હોવાથી, તેમના દિકરાએ પુછયુ ત્‍યારે કહ્યું કે મારી એક ઇચ્‍છા અધુરી છે. તે ઘોડી ચોરવાની વાત કરી અને તેના દિકરાએ પ્રતિજ્ઞા કરી તે કામ હું પુર્ણ કરીશ ત્‍યારે તેનો જીવ છૂટ્યો.

    બાદમાં તેમનો પુત્ર જસદણ દરબારને ત્‍યાં નોકરીએ રહી ઘોડી સાચવતો અને વિશ્વાસ પ્રાપ્ત કરી, મોકો મળ્‍યે તે ઘોડી ચોરીને કચ્‍છ તરફ જતો રહ્યો. એક દિવસ ઘોડીને દરિયા કિનારે ઘાસ ચારવા મુકી હતી ત્‍યારે દરિયામાંથી એક દેવતાઇ જળઘોડો બહાર આવ્‍યો અને આ ઘોડી સાથે સંગ કર્યો, એના સંગથી એ ઘોડીને જે વછેરી થઇ એ જ માણકી ઘોડી.
    માણકી ઘોડી બહુ રૂપાળી અને સર્વ ગુણ સંપન્ન હતી. અશ્વવિદ્યાની ભાષામાં ઘોડીની છત્રીસ ખામીઓ બતાવવામાં આવી છે. પણ આ માણકીમાં એ એકેય ખામી ન હતી.

    ભુજનાં રાજાને આ માણકી ઘોડી વિષે ખબર પડતા તેણે મિયાણા પાસેથી માણકી અને તેની મા એ બન્નેને ખરીદી લીધા. કચ્‍છમાં રાજાનાં ફટાયા કુંવરની દીકરી મીણાપુરમાં આવ્‍યા ત્‍યારે તેમણે કુંવરીને પહેરામણીમાં માણકી ઘોડી આપી દીધી. અને મીણાપુરમાં દરબાર સુરનાનજી ઝાલાએ આ માણકી ભગવાન શ્રી સ્‍વામિનારાયણને અર્પણ કરેલ ત્‍યારે એ દરબારને એક દિકરી હતી જેના સામુ જોઇને ભગવાન સ્‍વામિનારાયણે પુછયુ શું નામ છે ?ત્‍યારે કીધુ કે ‘‘મોંઘી'' નામ છે. શ્રીજી મહારાજ કહે ઓ હો હો..! તો તો બહુ ‘‘મોંઘા'' ઠેકાણેથી તેનું માંગુ આવશે. તેવા રાજીપાના આશિર્વાદથી, થોડા સમય બાદ એ મોંઘીબાનું સગપણ ગોંડલ નરેશ સંગ્રામસિંહબાપુ સાથે થયું. (હાલનું ગોંડલનું સ્‍વામીનારાયણ મંદીર, મોંઘીબાએ સ્‍વખર્ચે બંધાવેલ છે.)


    માણકી ઘોડી શ્રીજી મહારાજની મરજી મુજબ, આજીવન એમની સેવક રહી અરે.. ! ગરુડથી પણ ચડીયાતી પુરવાર થઇ. સ્‍વામિનારાયણ પ્રભુ આ લોકમાં પ્રગટયા ત્‍યારે તેમની સાથે અનેક મુકતો અને અવતારો પણ પધાર્યા હતા. તેમાં માણકી ઘોડી, પશુ સ્‍વરૂપે પણ એક મહામુકત જ હતી.

    જયારે શ્રીજી મહારાજ આ લોકમાંથી સવંત ૧૮૮૬ના જેઠ સુદી ૧૦નાં રોજ પોતાના અક્ષરધામ પધાર્યા ત્‍યારે આ માણકી ઘોડીને એટલો આઘાત લાગ્‍યો કે ત્‍યારથી ચોધાર આંશુઓ જ પડયા કરે, અને મોઢામાં એક તરણું પણ નથી મુકયુ કે નથી પીધુ પાણીનું ટીપુ. અને આંખોમાંથી અખંડ ચોધાર આંશુઓ જ સાર્યા. એક બે દિવસ નહીં પરંતુ બાર-બાર દિવસ આવો જ આઘાત...ત્‍યારે સદ્દગુરૂ ગોપાળાનંદ સ્‍વામીએ તેમની પાસે જઇને આજ્ઞા કરી. હવે તો તું કઇંક સમજ અને અન્‍નજળ ગ્રહણ કર. ત્‍યારે એ પશુએ ઇશારાથી માથુ હલાવી અને ફકત રાબેતા મુજબ આશુંડા જ સાર્યા...

    ગોપાળાનંદસ્‍વામી તેમની મરજી જાણી ગયા અને કહ્યું કે આ માણકી હવે શ્રીજી મહારાજનાં વિરહમાં અહીં રહેવા તૈયાર નથી. અને એમ જ થયું શ્રીજી મહારાજનાં તેરમાંના જ દિવસે ખાધા-પીધા વિના પ્રાણ મૂકી પોતાના પ્રાણ પ્રિયને મળવા અક્ષરધામ સીધાવી.અને સમગ્ર પ્રાણી-જગતમાં, આ ઘોડી એક ઇતિહાસ બની ગઇ. ગઢપુરમાં ભગવાન શ્રી સ્‍વામિનારાયણનાં અગ્નિ સંસ્‍કારની બાજુમાં માણકીની અંતિમ વિધી કરેલ અને ઓટો પ્રસાદીનો ચણાવેલ છે, તે આજે પણ દર્શન આપી રહેલ છે.

    માણકીએ ચડયા રે... મોહન વનમાળી

    શોભે રૂડી કરમાં લગામ રૂપાળી... માણકીએ....
    ...ધન્ય એ માણકીને...

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાન 

    સંકલન....
    સોલંકી હઠીસિંહ રામુજી જય બહુચર માઁ જય માતાજી





    Sunday, 16 July 2017

    શ્રી રવેચી માતાજી – રાપર કચ્છ નો ઈતિહાસ

    🌺 રવેચી માતાજી – રાપર-ક્ચ્છ  🌺
    કચ્છની ઐતિહાસિક ભૂમિ પર રાપર તાલુકાના રણ કાંઠા પર રવ ગામે પાસે સુંદર પુરાણ પ્રસિદ્ધ રવેચી માતાજીનું મંદિર આવેલું છે. અહીંનું વાતાવરણ ખુશનુમા મનોહર પ્રકૃતીવાળું અને શીતળતા જો યાત્રાળુઓ મુગ્ધ થઇ જાય છે. ઘટાદાર ઝાડ, તળાવ કિનારાની શીતળ હવા અને કુદરત સૌંદર્ય જોઈ મન નાચી ઉઠે છે. માતાજીના સ્થાનકે આવતા મુસાફરોના હૈયા પ્રફુલિત બને છે. સંકટો વિસરાઈ જાય છે. અહીં કચ્છ સૌરાષ્ટ્ર અને મુંબઈ વિગેરે દુર દુરના સ્થળેથી અનેક ભક્તો માતાજીના દર્શન આવે છે. અને યાત્રા પૂરી કરે છે. આવનાર પ્રવાસી તંદુરસ્તી મેળવે છે.
    મંદિર તરફથી આવનાર યાત્રાળુઓને મફત સાદું અને સાત્વિક ભોજન આપવામાં આવે છે. મીથી છાસથી યાત્રાળુઓ શાંતિ અનુભવે છે. આવનાર યાત્રાળુઓની મહંતશ્રી સુખ સગવડની ભોજનની પુરતી વ્યવસ્થા કરી આપે છે.

    મંદિર પાસે ૨૫૦૦ ગાયો છે. જે ખીરામાં કહેવાય છે. ગાયોનું દૂધ વાલોવવામાં આવતું નથી માતાજીની ગાયોને અનેક ભક્તો ઘાસ અને ગોવાર ચારી માનતા પૂરી કરે છે. અહીં વિશાળ ગૌશાળા જોવાલાયક છે.
    અહીં ચાર ગામના પંથકમાં રવ, ડાવરી, ત્રંબૌ, અને જેસડા વિસ્તારમાં શિયાળુ પવન રાત્રીના વાતો નથી. માતાજીએ ચાર ગામના રક્ષણ માટે વચન આપેલું છે. માતાજીની કૃપા પર અપરંપાર છે. ભાવિક ભક્તોને હાજર હજુર છે. માતાજી પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનાર અનેક ભક્તો પર માની કૃપાના પ્રત્યક્ષ પરચા મળ્યાના અનેક દાખલા મોજુદ છે.
    પ્રવેશદ્વારમાં દાખલ થતાં શીતળા માતા, ગણપતિ,હનુમાનજી, વાસંગી ખેતરપાળની મૂર્તિઓ છે. પાસે ધર્મશાળા છે. પંચમુખા મહાદેવજીનું મંદિર છે. બાજુમાં મહંતશ્રી અમરજતી કેશવગીરીજી ગણેશગીરીજીની દેરીઓ છે. અર્જુનદેવનો શીલાલેખ છે. બાજુમાં વિશાળ દેવીસર તળાવ છે.
    મંદિર બહાર રવેચી માતાની કામધેનું ગાયની દેરી છે. તે દેરી સ્વ. મહેતા પોપટલાલ નારાણજીના સ્મરણાર્થે તેમના સુપુત્રોએ બંધાવેલ છે. બાજુમાં ચબુતરો છે. અહીં ૩૦૦ જેટલા મોરલા અને પંખીઓને નિયમિત દાણા નખાય છે. અસલ મંદિર પાંડવોએ નવ શિખર અને ઘૂમટો સહીત બનાવેલું હતું વચ્ચે બાબી સુલતાને તોડી પાડ્યું હોવાનું કહેવાય છે.
    વિક્રમ સંવત ૧૮૭૮ ની સાલે સામબાઈ માતાએ ૨૬૦૦૦ કોરીના ખર્ચે વિશાળ પાકી બાંધણી વાળું મંદિર ચણાવ્યું લગભગ ૫૪ ફૂટ ઊંચા ઘુમટવાળું ૧૪ ફૂટ લાંબુ અને ૧૩ ફુટ પહોળું છે. મંદિરના મધ્ય ભાગે રવેચી માતાજીની, ખોડીયાર માતાજીની, આશાપુરા માતાજીની અને બાજુમાં સામબાઈ માતાની મૂર્તિ બાજુમાં વિભુજાવાળા અંબામાની મૂર્તિ રવના ગરાશીયાઓની મૂળ પુરુષ મુરવાજી જાડેજાને રવનું રાજ્ય અપાવ્યું તેમની તેમની યાદગીરીમાં મૂર્તિ પધરાવેલી છે. રવરાયની મૂર્તિ સામે ત્રણ પગે ઉભેલ નકલંકી ઘોડાની મૂર્તિ છે. મંદિરની અંદર રામદેવજી ભગવાનનું નાનું મંદિર છે. બટુક ખેતરપાળ મંદિરની જયોત અખંડ બળે છે તેમને ખોળામાં લઇને બિરાજે છે. અહીં શુદ્ધ ઘીની અખંડ જ્યોત જલે છે.
    મંદિરની બાજુમાં ઠાકર મંદિર છે. ત્યાં કૌરવનું સ્થાનક છે. પહેલે માનવનું બલિદાન અપાતું હશે ત્યાં આખા શ્રીફળનો ભોગ ધરાય છે. અહીં ત્રીકમજીનો ઓરડો છે. ગરુડ ભગવાન, ભૈરવ, ખેતરપાળ, લક્ષ્મીનારાયણ ભગવાન, હનુમાનજી તથા ગણપતિ બિરાજે છે. મંદિરમાં ત્રણ વખત સવારે ૪ વાગ્યે મંગળ આરતી, સવારે ૭ વાગ્યે શણગાર આરતી અને સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી થાય છે.
    મસાલી ગામના મુરવાજી રવેચી માતાના પરમ ભક્ત હતા, માતાજી તેમને પ્રસન્ન થયા રવ, ડાવરી, ત્રંબૌમાં દેદાઓનો અંત આવ્યો બાદ રાજ ચલાવવામાં આવ્યું માતાજી મુરવાજીની પેઢીએ એક એક શંખ બહાર કાઢતાં રહ્યાં છે. છ શંખ બહાર કાઢ્યા છે. જે માતાજીની મૂર્તિ પાસે મોજુદ છે. સાતમો શંખ હજુ નીકળેલ નથી.
    અર્જુન દેવનો શિલાલેખ
    અહીં અર્જુન દેવનો ઐતિહાસિક શિલાલેખ નીચે મુજબ હોવાનું જણાય છે. મહારાજા ધિરાજ અર્જુન દેવ અણહિલવાડ પાટણ તેમના કાર્યકર્તા કારભારી ધાન દલીયાણ બાઈથી થરીયા સુતરસિંહજી ધૃત વાટિકા તાલુકામાં આવેલા રવ ગામે માતાજી મંદિરે પોતાના આત્માના કલ્યાણ અર્થે વાવ ગળાવી તેમાં સોળસો દ્રવ્ય પરહર્યા તે વિક્રમ સંવત ૧૩૨૮ શ્રાવણ સૂદ ૨ શુક્રવારના લેખથી સાબિત થાય છે. એમ રવિસિંહજીને માતાજીને પ્રસન્ન થયેલ છે.
    સામબાઈ માતા
    સામબાઈ માતાનો જન્મ ઈ.સ. ૧૮૫૦ માં થયો હતો. ભટી ખેંગાર ભોપાની પુત્રી હતાં. નાનપણથી ગુણોવાળા અને દેવ કન્યા જેવા રૂપાળા હતા. ૧૫ વર્ષ ના થતાં ભટી ખેંગારને તેમને પરણાવવાની ચિંતા થવા લાગી પરંતુ સામબાઈ માતાતો કહે પુરુષ માત્ર મારે પેટના પોત્રા સમાન છે. મારે તો રવેચી માતની સેવા ભક્તિ કરવી છે.
    છેવટે ખેંગારજી પોતાની પુત્રીને કંથકોટના મુરવાજી જોડે લગ્ન નક્કી કરે છે. બે ફેરા ખાંડાના કંથકોટ ફરીને આવ્યા. રસ્તામાં બહારવટીયા સાથેના ધીંગાણામાં મુરવાજી ખપી ગયા. સામબાઈ માતા વિધવા કન્યા રવેચી માતની ભક્તિમાં મન પરોવી દીધું.
    રાપરના કલ્યાણેશ્વરના મહંત મસ્તગીરી પાસે આવી સામબાઈએ સન્યાસ લીધો સન્યાસ બાદ તેમનું નામ રામસાગરજી પાડ્યું. રવેચી માતની પુજા પાઠમાં જીવન વિતાવ્યું. મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ચાર ધામ અડસઠ તિરથ કર્યા હતા.
    મહારાવશ્રી દેશલજીને શરીરના પાછળના ભાગમાં ગુમડાનું દર્દ સામબાઈએ કારેંગાની કરીથી મટાડ્યું હતું આથી મહારાવશ્રી પ્રસન્ન થઇ ખુશ થયા અને તેમના પ્રત્યે શ્રદ્ધા જાગી. સામબાઈના કહેવાથી ૧૮૯૫ માં ભુજ નજીક રુદ્રાણી માતાજીનું મંદિર બંધાવ્યું. તે સમયે પાડા વગેરે ચડતા તે બંધ કરાવી મોટી જાગીર શરુ કરાવી. સામબાઈ અને દેશલજી પૂર્વ જન્મમાં ભાઈ બહેન હોવાનું કહેવાય છે. સંવત ૧૯૧૬ માં સામબાઈ માતાએ રુદ્રાણી માતાજીના મંદિરે જીવતી સમાધી લીધી હોવાનું કહેવાય છે. રુદ્રાણીના મંદિરે રવેચી, રુદ્રાણી અને આશાપુરાની મૂર્તિઓ તથા ખેતરપાળનું મંદિર છે. સામબાઈ માતાનું શિખરબંધ મંદિર છે.
    રૂદ્રાણી મંદિર
    ભુજથી ૨૦ કિ.મી. દૂર રૂદ્રાણી માતાજીનું મંદિર છે. તે રવેચીના શાખાની જાગીર ગણાય છે. ત્યાં મહંત શ્રી ધર્મેન્દ્રગીરીજી બિરાજે છે. શ્રાવણ સૂદ આઠમના ત્યાં મેળો ભરાય છે. યુવરાજ શ્રી પધારે છે અને આજે પણ માતાજી ફૂલની પત્રી તેમને સાક્ષાત આપે છે. તે દિવસે જાત્રા થાય છે. ભજન મંડળી થાય છે. રાજકુટુંબ રવેચીમાને, રૂદ્રાણી માને પોતાના કુળદેવી તુલ્ય માને છે. અહીં સામબાઈએ જીવતી સમાધી લીધી હતી જેથી મહારાવ શ્રી દેશલજીએ શિખરબંધ મંદિર બંધાવ્યું. અહીં લક્ષ્મીનારાયણનું મંદિર તેમજ વાસગી ખેતરપાળ, બટુક ભૈરવ વિગેરે છે.
    વિશ્રાંતિ ગૃહનું ઉદઘાટન
    અહીં વિશ્રાંતિ ગૃહ નું ઉદઘાટન તેમજ દાતા તખ્તી અનાવરણ વિધિ તા. ૧૩-૯-૧૮૮૬ સંવત ૨૦૪૧, ભાદરવા સૂદ ૧૦ ના શ્રીયુત નાનજીભાઈ ખીમજીભાઈ ઠક્કરના પ્રમુખપદે યોજાયેલ જેમાં વિશ્રાંતિગૃહનું ઉદઘાટન ચરલા માલશીભાઈ મેઘજીભાઈએ કરેલ વિશ્રાંતિગૃહના મુખ્ય દાતા ત્રંબૌવાળા બૌઆ ડાયાલાલ નરશી અને અંદરના રૂમના દાતા પટેલ કાનજી વાઘજીનું નામ જોડવામાં આવેલ.
    માતાજીના પરચા
    જગડુશાનાં વહાણ તાર્યા :
    માતાજી નોંઘાભોપા સાથે પ્રત્યક્ષ ચોપાટ રમી રહ્યાં હતાં ત્યારે માતાજીની ચુડમાંથી પાણી ટપકતાં નોંઘાભોપાએ કરણ પૂછતાં માતાજીએ જણાવ્યું કે મારા પરમ ભક્ત જગડુશાનાં વહાણો મધદરિયે તોફાનોમાં સપડાયા છે. તેમણે મારું સ્મરણ કરતાં તે વહાણો મે ઉગાર્યા છે. નોંઘાભોપાને માનવામાં ન આવ્યું ત્યાર બાદ જગડુશા સંઘ સાથે ચોથો ભાગ લઇ માતાજીના મંદિરે આવી માનતા પૂરી કરી પોતાનું દ્રવ્ય શુભ માર્ગે વાપરવા કહ્યું. નોંઘાભોપાને પસ્તાવો થયો. ત્યાર બાદ માતાજી કદી પ્રત્યક્ષ ભોપા સાથે રમત રમવા ન આવતાં.
    દજીયાને ચમત્કાર :
    દજીયાએ રવેચી માતાજીની આસપાસની જગ્યામાં ઊગેલ બાવળ નોંઘાભોપાએ ના કહેવા છતાં કાપવા ચાલુ રાખ્યા ત્યારે માતાજીએ પરચો બતાવ્યો જ્યાં દજીયો ઝાડ કાપતો હતો ત્યાં ઝાડો નીલા થઇ જઇ જમીનમાં ખુપી ગયા નાગે ડંખ દીધો દજીયો ત્યાંજ ઢળી પડ્યો.
    દેદાઓનો અંત :
    વાગડમાં જ્યારે દેદાઓ નું વર્ચસ્વ હતું ત્યારે લાખાજી જામના દેદાએ ઘોડીઓના વાછેરાઓને પીવડાવવા ખીરામાં ગાયોનું દૂધ માગ્યું. ઘોડો પીરનું વાહન હોતાં મુસ્લિમોને માતાજીની મનાઈ હતી જેથી ભોપાએ ના પાડી. લાખાજી છંછેડાયો. બધા દેદાઓને ભેગા કરી ગાયો લઇ જવાની ધમકી આપી. ભોપાએ માતાજીનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે માતાજીના સ્થાને પરોઢિયે ચાર વાગ્યે આપોઆપ વાજીંત્રો નગારા વાગ્યા માતાજીએ વાઘનું સ્વરૂપ ધારણ કર્યું. આ સ્વરૂપ જોઈ દેદાઓ ધ્રુજી ઉઠ્યા. માતાજી અને ભોપાની માફી માંગી બીજે દિવસે ભાગ પાડતાં દેદાઓ ઝગડી પડ્યા. અંદર અંદર ધીંગાણું થતાં કપાઈ મુઆ. દેદાઓ માતાજીના શ્રાપથી રવ, ડાવરી, જેસડા, ત્રંબૌ છોડી મોરબી તરફ ગયા. વાગડમાં દેદાઓનો અંત આવ્યો.
    મંદિરે લુંટ :
    સંવત ૧૯૪૫ ની સાલે રવના રાણા કોલીની મૈત્રીથી કાનડો બહારવટીયો અગિયાર સાથીઓ માળીયા મીંયાણાથી રવેચી મંદિરે આરતી ટાણે મહંત વશરામગરને દોરડાથી બાંધી ઓરડામાં પૂરી ૩૫૦૦ કોરીની મતા લુંટી. મહંત વશરામગરે માતાજીને પ્રાર્થના કરી એટલે આપોઆપ ઓરડો ખુલી ગયો દોરડા છૂટી ગયા.
    બહારવટીયા લુંટ કરી મેવાસા ડુંગરમાં ચાલ્યા ગયા. રવોજી તથા મનુભાઈ ફોજદાર પગેરું લેતા મેવાસા ડુંગરમાં ગયા. સામસામી ગોળીયું છૂટી. બહારવટીયાની ગોળીઓ રવાજી અને ફોજદારને લીંડીની માફક સામાન્ય લાગતી. કાનડો અને બીજા બહારવટીયા ઢળી પડ્યા બચ્યો માત્ર એક જ બહારવટીયો જે પાણી ભરવા ગયો હતો અને માતાજીએ લુંટ કરવાની ના પાડી હતી. નારણ બહારવટીયે છુપાવેલી બધી મિલ્કત કાઢી આપી.
    ભંડારો :
    સંવત ૧૯૯૨ માં જાગીર તરફથી ભંડારો કરવામાં આવેલ તે વખતે ગામે ગામથી લોકો આવી પહોંચ્યા. પાણીની અસહ્ય તંગી હતી. તળાવમાં પાણી ખૂટતું હતું. આ પ્રશ્ન સૌને મૂંઝવતો હતો. રાત્રે મહંત શ્રી ભગવાનગરને સ્વપ્નામાં માતાજીના દર્શન થયાં. રવેચી માતાજીએ કહયું કે તું ચિંતા ન કર રાત્રે તળાવમાં પાણી આવી જશે.
    સાચેજ બીજે દિવસે મંદિર પાસે જળાશય ઉપર કાળા વાદળો ઘેરાઈ વરસાદ પડ્યો તળાવમાં પાણી થયું.
    સંકલન..
    સોલંકી હઠીસિહ રામુજી..કાલરી  ⛳જય બહુચર માઁ  ⛳જય માતાજી